કાયદાકીય અને સામાજિક જાગૃતિના હેતુથી સર્વોદય સ્કૂલ, રાજકોટ ખાતે જનજાગૃતિ વિસ્તરણ કાર્યક્રમ યોજાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના એલ.એલ.એમ. સેમેસ્ટર-૧ના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસના ભાગરૂપે સમાજમાં કાયદાકીય જાગૃતિ અને માનવ અધિકારો પ્રત્યેની સમજ વિકસાવવાના હેતુથી બુધવાર, તા. ૨૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ સર્વોદય સ્કૂલ, સર્વોદય એજ્યુકેશન નેટવર્ક, પી.ડી.એમ. કોલેજ કેમ્પસ, રાજકોટ ખાતે જનજાગૃતિ વિસ્તરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સમાજમાં કાયદાકીય જોગવાઈઓ, માનવ અધિકારો તથા વર્તમાન સમયના મહત્ત્વપૂર્ણ સામાજિક અને ડિજિટલ પડકારો અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ભવનના વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર માહિતીસભર રજૂઆતો કરીને કાયદાકીય જ્ઞાનના વ્યવહારુ મહત્ત્વને ઉજાગર કર્યું હતું.
કાર્યક્રમમાં દેસાઈ રોનક દ્વારા એન્કરિંગ કરવામાં આવ્યું હતું. બાબરિયા પાયલ દ્વારા ‘AIનો અતિરેક: ડિજિટલ ગુલામી તરફ ડગલું’, પંડ્યા વૈશાલી દ્વારા ‘ડિજિટલ અરેસ્ટ અને ઑનલાઇન છેતરપિંડી’, ચાવડા રવિ દ્વારા ‘મફત કાનૂની સહાય’ તથા ગણાત્રા રિધિબેન દ્વારા ‘ડ્રગ્સનો દુરુપયોગ અને કાયદાકીય જાગૃતિ’ જેવા વિષયો પર રજૂઆતો કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન વતી ચિંતનકુમાર શકોરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓની રજૂઆતોને પ્રોત્સાહિત કરીને અભ્યાસ દરમિયાન પ્રાપ્ત કરેલા કાયદાકીય જ્ઞાનને સમાજ સુધી પહોંચાડવા માટે આવા કાર્યક્રમોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો.
ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ એન. માંજરિયા તથા ભવનના તમામ શૈક્ષણિક કર્મચારીઓ વિદ્યાર્થીઓને શૈક્ષણિક અભ્યાસની સાથે સમાજોપયોગી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા માટે સતત પ્રોત્સાહિત કરે છે. ભવનનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં કાયદાકીય સમજ, માનવ અધિકારો પ્રત્યેની સંવેદનશીલતા, સામાજિક જવાબદારી અને વ્યવહારુ કૌશલ્યોનો વિકાસ કરવાનો છે.
આવા જનજાગૃતિ વિસ્તરણ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પોતાના શૈક્ષણિક જ્ઞાનનો સમાજના હિતમાં ઉપયોગ કરવાની તક મળે છે. સાથે જ, ડિજિટલ છેતરપિંડી, કૃત્રિમ બુદ્ધિમત્તાના જવાબદાર ઉપયોગ, નશીલા પદાર્થોના દુરુપયોગ અને મફત કાનૂની સહાય જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે જાગૃતિ ફેલાવીને સમાજના સશક્તીકરણમાં યોગદાન આપી શકાય છે.